#પોઝીટીવપંચ 89… ગાંઠિયાનું પડીકું બેમિનિટની સત્ય ઘટના વાંચો… કાનજી ભાઈ દ્વારા લિખિત


બે દિવસ પહેલા રાજકોટથી અમદાવાદ આવતા હાઇવે પર ગાડી પંચર થઈ ગઈ. એક જગ્યાએ પંચર રીપેર કરવવા ઊભા રહ્યા. ત્યાં બાજુમાં એક ઢાબા હતો. તો ચા-પાણી પીવાનું વિચારી ત્યાં બેઠા. એટલામાં એક બીજી કાર ત્યાં આવી ને ઊભી, એમાંથી ત્રણ જુવાનિયા ઉતર્યા, ત્યાં ઢાળેલા ખાટલા પર બેઠા. બધાએ ચા મંગાવી અને એક જુવાનિયો એમની કારમાંથી પાપડી ગાંઠિયાનું મોટું પેકેટ હતું એ કાઢી લાવ્યો. એ લોકો ચા સાથે વાતો કરતા કરતા પાપડી ખાતા હતા…તો થયું એવું કે…



આગળ ક્યાંય કામ ચાલતું હશે ત્યાંથી શ્રમજીવીઓના બે નાના છોકરાઓ અને એક નાની ટેણી આ ઢાબાએ આવ્યા.એ બાળકો અહીં વેચાતું હતું એવું એક-એક નમકીનનું પડીકું લઇ, તોડીને ખાતા ખાતા ચાલતા થયા. આ જુવાનિયાઓના ખાટલાથી પાંચ-સાત ડગલાં આગળ ચાલ્યા હશે ત્યાં એમાંથી જે સૌથી નાનો બાળક હતો એ બાળકને ઠેન્સ વાગી, એ પડ્યો નહીં પણ લથડયો, પણ એણે બિનઅનુભવી રીતે ગાંઠિયાનું પડીકું એમ તોડેલું કે એ લથડયો ત્યારે પેલું પડીકું એના હાથમાં રહી ગયું અને એના ગાંઠિયા બધા ઢોળાય ગયા.બીજા બેઉ બાળક સાથે એ નાનો બાળક ધૂળમાં પડેલા ગાંઠિયાને જોઈ રહ્યો…શૂન્યમનસ્ક થઈને…ગળા નીચે થૂંકનો ઘૂંટડો ઉતારતો…ઢાબામાં એની આજુબાજુ ઉભેલા બધાએ આ દૃશ્ય જોયું…
એટલામાં પેલા બાળકને કોઈએ સાદ કર્યો, “એ છોકરા… અહીં આવ મારો દીકરો…”


એ સાદ કરનાર ખાટલા પર બેઠેલો એક જુવાનિયો હતો.પેલું બાળક ખાલી પડીકું લઇ ધીમે ધીમે એની પાસે ગયું.પેલા જુવાનિયાએ બાળક સામે હસીને એનું ખાલી પડીકું લીધું…તોડેલું હતું એને વધુ તોડી એમાં પોતાના પાપડી ગાંઠિયા જેટલા સમાય શકે એટલા ભરી આપ્યા, ફરી હસીને એ પડીકું છોકરાને આપ્યુ, એ નાનો બાળક કેટલા સંતોષથી ત્યાંથી ચાલતો થયો…એ ચાલતા હતા ત્યારે એનાથી મોટા બાળકે એ નાનાને ખભે હાથ મૂકી દીધો. જાણે કહેતો હોય કે, “જો કેવું સરસ થઈ ગયું ને તારે…”

આમ તો આ આખી ઘટના સામાન્ય લાગે ને,…પણ બે વાત મારા હૃદયને તરબતર કરી ગઈ…
વાત એક કે પેલો બાળક લથડીને જ્યારે ઢોળાઈ ગયેલા ગાંઠિયાને જોતો ઝંખવાઈને ઉભો હતો ત્યારે આવેલો હૂંફાળો સાદ…અને એ સાદમાં કેવું પોતીકું સંબોધન કે , “અહીં આવ…મારો દીકરો…”
વાત બે કે એ મેલાઘેલા બાળકને એ હેતભર્યું સંબોધન કરનાર હતો એક નવજુવાન…ક્યાંથી આવી હશે આ હૂંફભરી પાકટતાં એનામાં…

આ ઘટનાની થોડી ક્ષણો પછી અમારી ગાડીનું પંચર થઈ ગયું હતું, અમે એમાં બેસી રોડ પર ચડ્યા તો મેં બારીમાંથી જોયું કે આગળ એક જગ્યાએ એ બાળકો ખાતા બેઠા હતા. એ જોઈ મને મજાની ટાઢક થઈ. સાથે થયું કે સાલું જીવનમાં ય ક્યારેક આમ અચાનક પંચર પડે છે, ઠેંસ વાગે છે, અચાનક પડી જવાય છે, લથડી જવાય છે, આપણી ઝોળીમાં રહેલા સપના ઢોળાય જાય છે, એને જોતા ઉભા રહીએ છીએ, એ ક્ષણે સાવ જ તૂટી જઈએ એ પહેલા કોઈ આવો સાદ આવી જાય કે ,”અહીં આવ તો…મારો દીકરો…”

“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર
અમર કથા ગ્રુપ
બી.ટી.ઠાકોર.. 


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *