#પોઝીટીવપંચ 62… પાંજી ખીચડી જી તાકાત.. ખીચડી માટે ભેખ લેનાર વડોદરાના જગદીશભાઈ જેઠવા (પ્રજાપતિ) વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાન ને જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું હતું…baroda jagdish jethba khichdi


આ વિશ્વમાં કોઈને કોઈ બાબતે ભેખ લઈને ખીચડી ખાનારા લોકો તો સેંકડો હશે, પરંતુ ખીચડી માટે કોઈએ ભેખ લીધો હોય તેવું તો કદાચ વડોદરાના જગદીશભાઈ જેઠવા (પ્રજાપતિ)ના કિસ્સામાં જ બન્યું હશે. તેમની આખી વાત માંડીને કરીએ.



તેમનું મૂળ વતન રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાનું પાટણ વાવ ગામ. માતાનું નામ હંસાબહેન અને પિતાનું નામ નરસિંહભાઈ. પિતાને છાપાંની ફેરી ઉપરાંત છૂટક દુકાન હતી.

જગદીશભાઈએ એકાઉન્ટન્સીમાં ગ્રેજ્યુએશન કર્યા પછી વડોદરામાં એક્સપોર્ટ-ઈમ્પોર્ટનો વિશેષ અભ્યાસક્રમ કર્યો. એ પછી તેઓ અદાણી ગ્રુપ, કોકાકોલા ગ્રુપ અને એક ડચ કંપની ડીએસએનમાં લોજિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં જોડાયા.



બધુ સરસ ચાલતું હતું ત્યાં રસ્તામાં ખીચડીબહેન મળી ગયાં અને તેમનું જીવન બદલાઈ ગયું.

થોડાં વર્ષો પહેલાં તેમને પ્રાચીન ભારતની વિરાસતમાં રસ પડ્યો. તેઓ પ્રકૃતિને ખૂબ નજીકથી જોવા અને સમજવા લાગ્યા. વિશ્વમાં જંકફૂડ અને ફાસ્ટફૂડનો વધેલો વ્યાપ અને તેને કારણે થતા નુકસાનને જોઈને તેમનું દિલ દ્રવી ઊઠ્યું. તેમણે ભારતીય ખાણીપીણી સંસ્કૃતિનો અભ્યાસ કર્યો. તેમને લાગ્યું કે, ખીચડી એક એવી વાનગી છે જે અનેક રીતે વિશિષ્ટ છે. તેઓ નાના હતા ત્યારે ખીચડી ખાતા, પરંતુ ખીચડીમાં આટલી બધી શક્તિ છે તેવી તેમને કલ્પના નહોતી.




પછી તો તેમણે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર ગોલકિયા સાહેબ સાથે મળીને ખીચડી અંગે ખાંખાંખોળાં કર્યાં. આગળ જતા વડોદરાની એમ.એસ. યુનિવર્સિટી સાથે રહીને ખીચડી ઉપર સંશોધન કર્યું. ગોલકિયા સાહેબ તો કહે છે કે, ખીચડી ગરીબ કે બિચારી નથી, એ તો મોટો વૈભવ છે.

જગદીશભાઈ કહે છે કે, 10 હજાર વર્ષ પહેલાં ખીચડી હતી. આયુર્વેદ, ઋષિ-મુુનિઓ પણ ખીચડીની હિમાયત કરતા. મગ અને ચોખા બંને અત્યંત પવિત્ર અને શક્તિશાળી ધાન્ય છે.




ખીચડી એ શુકનવંતો આહાર છે. ખીચડી માના દૂધ જેવી પવિત્ર છે. દેવ અને દેવીઓને પણ ખીચડી વહાલી છે. જગદીશભાઈ ખીચડીની પ્રશંસા કરતા કહે છે કે, તેના અપાર અને અમાપ ગુણ છે. એ માત્ર ચાર કલાકમાં ડાયજેસ્ટ થઈ જાય છે. તેમનું કહેવું છે કે, ખીચડી ખાવાથી મન પણ નિર્મળ થાય છે. આપણા ત્યાં કહેવત છે કે જેવું અન્ન, તેવું મન.

મગ-ચોખાની બનેલી ખીચડીમાં ગાયનું ઘી ઉમેરીને ખાવાથી શરીર અને મનને મોટો ફાયદો થાય છે.

તેઓ કહે છે કે, ભારતમાં જો જંકફૂડને બદલે ખીચડીનું પ્રચલન કરવામાં આવે તો ભારતની અનેક સમસ્યાઓ ઉકલી જાય. માંદગી ઘટી જાય. લોકોનાં તન અને મન સ્વસ્થ થાય. આત્મહત્યાઓ ઘટી જાય. જગદીશભાઈ ખીચડીને એટલી બધી ચાહે છે કે, તેઓ એમ પણ કહે છે કે, ખીચડીથી મોક્ષ પણ મળી શકે.

ખીચડીમય બની ગયેલા જગદીશભાઈને જોઈને તેમનાં ધર્મપત્ની મિલનબહેન રાજી થયાં. તેમણે જગદીશભાઈને સાથ આપવાનું નક્કી કર્યું. એ પછી તો જગદીશભાઈએ વડોદરામાં બ્રહ્મ ખીચડી હાઉસ બનાવ્યું. અહીં તેઓ માત્ર 60 રુપિયામાં ખીચડીની પ્લેટ આપે છે.



આ હાઉસમાં મળતી બ્રહ્મ ખીચડીમાં વિવિધ પ્રકારનાં શાકભાજી હોય છે જે ખવૈયાને ભોજનના સંતોષની અનુભૂતિ કરાવે છે. અહીં ફુદીના ખીચડી મળે છે જે ઘણા રોગો મટાડે છે. યુવાનો માટે જગદીશભાઈ ગાર્લિક ખીચડી બનાવે છે. બાળકો ખીચડી તરફ આકર્ષાય તે માટે તેમણે ચીઝ ખીચડીનું સંશોધન કર્યું.

વડોદરામાં ગોત્રી વિસ્તારમાં ત્રીજા માળે આવેલા આ ખીચડી હાઉસમાં જગદીશભાઈ અને મિલનબહેન પૂરા ભાવ સાથે ખીચડી પીરસે છે.


જગદીશભાઈ કહે છે કે, આપણી અનેક વાનગીઓ વિશિષ્ટ છે. દેશી હાંડવો 500 વર્ષ જૂનો છે. અનેક ચટણીઓ 100-150 વર્ષ જૂની છે. આ બધાં પોષક તત્વોનો ભંડાર છે. તેમનું કહેવું છે કે, ખીચડીમાં તો 16 પ્રકારનાં પોષક તત્વો હોય છે. તેમાં એનર્જી (280 કેલેરી), પ્રોટીન (7.44 ગ્રામ), કાર્બોહાઈડ્રેટ (32 ગ્રામ), ટોટલ ફેટ (12.64 ગ્રામ), ડાયેટરી ફાઈબર (8 ગ્રામ), વિટામીન એ (994.4 આઈયુ) વિટામીન બી 6 (0.24 મિલી ગ્રામ), વિટામીન સી (46.32 મિલી ગ્રામ), વિટામીન ઈ (0.32 આઈયુ), કેલ્શિયમ (70.32 મિલી ગ્રામ), આર્યન (2.76 મિલિ ગ્રામ), સોડિયમ (1015.4 મિલી ગ્રામ), પોટેશિયમ (753.64 મિલી ગ્રામ), મેગ્નેશિયમ (71.12 મિલી ગ્રામ), ફોસ્ફરસ (138.32 મિલી ગ્રામ) અને જીંક (1.12 મિલી ગ્રામ) હોય છે.

ભૂતકાળમાં એમ.એસ. યુનિવર્સિટીના ફૂડ એન્ડ ન્યુટિશિયન વિભાગમાં પ્રથમ વખત ખીચડીમાં રહેલાં પોષક તત્વોનું વિશ્લેષણ કરવામાં આવ્યું ત્યારે ઉપરોક્ત માહિતી મળી હતી.

ખીચડી માટીના વાસણમાં બનાવવામાં આવે તો તેની ગુણવત્તા અને સ્વાદ વધી જાય છે તેવું કહેવાય છે. જૂના કાળમાં લોકો માટીના વાસણમાં જ ખીચડી બનાવતા હતા.

જગદીશભાઈ સજોડે ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણીને મળીને ખીચડીની વકીલયાત કરી આવ્યા છે. જોરાવરસિંહ જાદવ અને વિવેક દેસાઈ (નવજીવન ટ્રસ્ટ) દ્વારા તેમને હૂંફ અને સહયોગ મળ્યો છે.

તૈતરિય ઉપનિષદના એક શ્લોકનો હવાલો આપીને જગદીશભાઈ કહે છે કે, અન્ન બ્રહ્મ છે કારણ કે, અન્નથી જ દરેક પ્રાણી ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયા પછી અન્નથી જ તે જીવિત રહે છે અને છેલ્લે મરણ પશ્ચયાત પણ અન્નમાં જ પ્રવેશ કરી જાય છે.

ભગવદ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, મનુષ્યના શરીરમાં હું જઠરાગ્નિ સ્વરુપે વસુ છું. તેમણે એમ પણ કહ્યું છે કે, આયુષ્ય, બળ, આરોગ્ય, સુખ અને પ્રીતિ વધારનાર, સડો ન થાય અને સ્થિર રહે તેવો, હૃદયને વલોપાત ન કરાવે તેવો, રસાવાળો, ચીકાશવાળો હોય તેવા આહારના પદાર્થો સાત્વિક મનુષ્યોને પ્રિય હોય છે. જગદીશભાઈ કહે છે કે, આપણી ખીચડીમાં આ બધા ગુણ સામેલ છે.

2015માં નોકરી મૂકીને ખીચડીનું હાઉસ શરુ કરનારા જગદીશભાઈ માને છે કે એ સમય ખૂબ ઝડપથી આવશે કે લોકો અન્ન એ જ બ્રહ્મ છે એ સનાતન સત્યને સમજીને પાછા ભારતીય ખાણીપીણી તરફ પાછા વળશે. ખીચડી તેમાં સર્વોત્તમ છે એટલે લોકો ચોક્કસ ખીચડીમય બનશે. અને એ વખતે લોકોનું સ્વાસ્થ્ય સુધરશે. ભલે આપણે અત્યારે ખીચડીને ભૂલી ગયા છીએ પણ દેશ-વિદેશના અનેક વ્યંજનો કરતાં આપણી આ ખીચડી હજારો ગણી ચડિયાતી છે.

તેમનું કહેવું છે કે, એક બાજુ કરોડો યુવાનો ફાસ્ટફૂડ ખાઈને પોતાનું આરોગ્ય બગાડી રહ્યા છે અને બીજી બાજુ તેઓ ખીચડી જેવા પરમ ખોરાકથી દૂર રહીને મોટું નુકસાન પણ વેઠી રહ્યા છે.

જગદીશભાઈને, તેમનાં જીવનસાથી મિલનબહેનને… ખીચડી માટે, ખીચડીના પ્રસાર માટે પ્રયાસો કરવા બદલ અગિયાર દરિયા ભરીને અભિનંદન, સાથે સાથે તેમને ખૂબ શુભકામનાઓ કે તેઓ તેમના આ યજ્ઞમાં ખૂબ સફળ થાય…

“જય હો”

ઇન્ફોર્મેશન સેન્ડર..
Whatsapp Group..


Call :- 96017 99904


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *