#પોઝીટીવપંચ 38. બાર થી 15 ફુટ જેટલું ઉંચું થતું નેપિયર ઘાસ વિશે જાણીએ.. 2018ના દુષ્કાળ સમયે ઉભી થયેલ તીવ્ર ઘાસચારાની તંગીને પોહચી વળવા ગુણવંતભાઈએ ઝડપેલું બીડું.ગ્રામ્યલક્ષી, જળલક્ષી,ખેતીલક્ષી કે રોજગારલક્ષી યોજનાઓ જેમણે પુરી કરી છે તેવા ગુણવંતભાઈ ને નમન..



ત્રણ વર્ષ પહેલાં Gujaratના કચ્છ,બનાસકાંઠા અને સુરેન્દ્રનગર જીલ્લાના ગામડાઓમાં પડેલા દુષ્કાળને કારણે ત્યાં ઘાસચારાની ઉગ્ર તંગી ઉભી થવા પામી હતી, જેને કારણે ત્યાંના પશુધન પર સંકટ ઉભું થયું હતું. સરકારની અને દાતાઓની કરોડો રૂપિયાની મદદ પણ ત્યારે અપૂરતી પડી હતી કારણ કે સમસ્યા ધનની નહિ પણ ઘાસચારાની હતી.

આ પરિસ્થિતિ જોઇને આપણા સમાજના, મુંબઈમાં વસતા, 85 વરસની વયના યુવાન શ્રી ગુણવંતભાઈએ, ગુજરાતમાં છાશવારે પડતા દુષ્કાળને કારણે મૂંગા પશુઓની ઘાસચારાની અછત કાયમ માટે દૂર કરવાનું બીડું ઝડપ્યું.



પરંપરાગત સેવાના ક્ષેત્રોથી હટીને અલગ જ ક્ષેત્રોમાં કાર્યો કરવા માટે શ્રી ગુણવંતભાઈ જાણીતા છે. તેઓ કોઈ પ્રોજેક્ટ હાથમાં લે એટલે એનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરીને એ પ્રોજેક્ટની શરૂઆતથી અંત સુધીનું માળખું ગોઠવીને ત્યાંની કોઇ લોકલ સામાજિક સંસ્થાનો સંપર્ક સાધીને તેમને પ્રોજેક્ટ હાથમાં લેવા માટે પ્રોત્સાહિત કરીને એ સંસ્થા પાસેથી એ પ્રોજેક્ટનું કામ કરાવે. અલબત્ત એમની પોતાની દેખરેખ તો ખરી જ.

કચ્છમાં સૌ પ્રથમવાર મોટા અંગીયાના સરપંચ શ્રી ઇકબાલ ઘાંચીએ ગટરના પાણીનો ઉપયોગ કરીને આખું વરસ ઘાસ ઉગાડી શકાય કે નહિ એના પ્રયોગો કર્યા અને ખુશનસીબે અે પ્રયોગો સફળ રહ્યા.



આજે પણ સરકારી અધિકારીઓ અને બીજી સંસ્થાઓના પ્રતિનિધિઓ આ પ્રયોગ જોવા મોટા અંગીયા આવતા રહે છે.કચ્છના અન્ય 33 ગ્રામ પંચાયત મોટા અંગીયા ગામ માંથી પ્રેરણા લઈને આજે નેપિયર ઘાસચારાનું વાવેતર કરી રહ્યું છે.જેના રોપા મોટા અંગીયા ગ્રામપંચાયત પુરા પાડી રહ્યું છે.અગામી સમયમાં હજુ પણ મેડીકલ ક્ષેત્રે મોટા અંગીયા પંચાયત પોતાની એક્ટિવિટીનો પરચો બતાવવા જઈ રહ્યું છે..



એમને ક્યાંકથી જાણવા મળ્યું કે, ભચાઉમાં કોઇ ખેડુત એવું ઘાસ ઉગાડે છે કે જે વરસમાં 5 થી 6 વખત ઉગાડી શકાય અને એ ઘાસ લગભગ 12 થી 14 ફુટ ઉંચુ થાય છે. એમણે એ ખેડૂતને શોધીને અખતરા રૂપે એની પાસેથી ઘાસના રોપા ખરીદ્યા અને એ ઘાસ ઉગાડવા માટેની પ્રક્રિયા પણ જાણી લીધી.



આ ઘાસના રોપા મોટી સંખ્યામાં અને વ્યાજબી ભાવે મળી શકે તે માટે એમણે પંજાબ, હરિયાણા અને મહારાષ્ટ્રમાં તપાસ આદરી. અંતે એમને જાણ થઇ કે પાલઘરમાં આ રોપા મળી શકે છે.તેમણે પાલઘરની જ એક સંસ્થા ” શ્રી ગીરી વનવાસી પ્રગતિ મંડળ” નરેશ વાડી, નો સંપર્ક કરીને ઘાસના રોપા મળી શકે તેવું આયોજન કર્યું.

શ્રી ગુણવંતભાઈએ આ પ્રોજેક્ટ માટે ગાંધીધામની ‘જીવદયા સમિતિ’ ના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી નિરવભાઇ મહેતાનો સંપર્ક કરીને, જીવદયા સમિતિ મારફતે કચ્છ સહિત ગુજરાતના અલગ અલગ ગામો અને શહેરોની લગભગ 350 પાંજરાપોળો અને પંચાયતો ને વિનંતી કરી કે જો ફક્ત એક વખત પણ આ ઘાસ ઉગાડવા માટે તમારી તૈયારી હોય તો હું કંઇ પણ કીમત લીધા વગર તમને આ ઘાસના રોપા મોકલાવીશ. આ રોપા એમણે પાલઘરના ખેડુત પાસેથી ખરીદવાના હતા. અત્યાર સુધી 150 પાંજરાપોળો અને પંચાયતોએ એમની વિનંતી સ્વીકારી છે.

photo credit by :- kutchmitra


શ્રી ગુણવંતભાઈએ ‘જીવદયા સમિતિ’ મારફતે અત્યાર સુધી 50 પાંજરાપોળો અને પંચાયતોને ઘાસના રોપા મોકલાવ્યા છે. સાથેના ફોટામાં દેખાય છે તે આ ઘાસનું ઉત્પાદન છે. આપણું પરંપરાગત ઘાસ વરસમાં એક વખત જ ઉગાડી શકાય છે, જ્યારે આ ઘાસ પહેલે વરસે 4 વખત અને બીજા વરસથી 6 વખત લઇ શકાય છે અને આ ઘાસ 5 થી 6 ફુટને બદલે 12 થી 14 ફુટ જેટલું ઉંચું થાય છે જે સાથેના ફોટામાં જોઇ શકાય છે.


જે સંસ્થાઓએ આ કાર્યની વહેલી શરૂઆત કરી હતી તે સંસ્થાઓનું પરિણામ જોયા પછી, બીજી ઘણી સંસ્થાઓએ શ્રી ગુણવંતભાઈનો સંપર્ક કર્યો છે, અને રોપા મોકલાવવા વિનંતી કરી છે. વહેલી તકે એ બધી સંસ્થાઓને રોપા મોકલવાનું કામ શરૂ થઇ જશે. એક વખત આ ઘાસની ઉપજ શરૂ થઇ ગયા પછી નવી રોપણી માટેના રોપા એ ઘાસના ઉત્પાદનમાંથી જ મળી રહેશે.

એમના કહેવા પ્રમાણે એકાદ બે વરસમાં ‘એકને જોઇને બીજો કરે’ એ સિદ્ધાંત મુજબ ગુજરાતમાં 1500 પાંજરાપોળો અને પંચાયતો આ ઘાસનું ઉત્પાદન શરુ કરી દેશે અને 3 વરસ પછી લાખો ખેડૂતો ગુજરાતને ઘાસના ઉત્પાદનમાં સ્વાવલંબી કરી નાખશે. દુષ્કાળના સમયમાં પશુઓને જીવાડવા માટે દૂર દૂરથી અતી મોંઘા ભાવે ઘાસ ખરીદવા દોડવું પડતું હોય છે એ સમસ્યાનો અંત આવશે.

તેઓ કહે છે કે દરેક સમસ્યાનું સમાધાન આપણી સમક્ષ પડેલું જ હોય છે, જરૂર હોય છે એ સમાધાનને ઓળખવાની અને એના પર મહેનત કરવાની. આ ઘાસ ક્રાંતિને કારણે આડકતરા લાભો જેવા કે પર્યાવરણમાં સુધારો, પશુઓની ઉત્પાદન ક્ષમતામાં વધારો, લોકોની રોજગારીમાં વધારો જમીનની ફળદ્રુપતા માં વધારો અને આવા બીજા અનેક ફાયદાઓ થશે.

શ્રી ગુણવંતભાઈએ અત્યાર સુધી જેટલા પ્રોજેક્ટો અને યોજનાઓ હાથમાં લઇને પૂરી કરી છે, તેમાંથી મોટાભાગની યોજનાઓ ગ્રામ્યલક્ષી, જળલક્ષી, ખેતીલક્ષી કે રોજગારલક્ષી રહી છે.

શ્રી ગુણવંતભાઈએ કરેલા અનેક કાર્યોને જોઇને હું તો એમનો પ્રશંસક છું જ, પણ એમણે કરેલા કાર્યો વિશે જે જાણશે એ પણ એમના પ્રશંસક બની જશે.

ગ્રામ્યવાસીઓ, ધરતી, પર્યાવરણ, પશુઓની અને ગરીબોની સેવા કરનાર 85 વરસના આ યુવાનને શત શત નમન.

એમની પાસેથી આ બધી માહિતી મેળવ્યા પછી, એમની નામરજી હોવા છતાં, એમની ઉપરવટ જઈને હું ઉપરોક્ત વિગતો એટલા માટે જાહેર કરું છું કે આ વાંચનારના ગામમાં કે શહેરમાં એમની જમીન હોય અથવા કોઇ સંસ્થા હોય કે જેને આમાં રસ પડતો હોય તે આ પ્રોજેક્ટમાં ભાગ લઇ શકે.


“જય હો”


ફોટો સેન્ડર..

ઇકબાલ ગાંચી..

સરપંચશ્રી મોટા અંગીયા ગ્રામ પંચાયત.


ઇન્ફોર્મેશન સેન્ડર..

Whatsapp જલસા ગ્રુપ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *