#પોઝીટીવપંચ 93.. કરોડોની કમાણી પછી પણ લોકોથી રૂપિયાનો મોહ છૂટતો નથી ત્યાં એક સંસારી સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદીએ અમેરિકાની ધરતી પરથી એક સંકલ્પ કર્યો… શૈલેષ સગપરિયા દ્વારા…
૧૨મી ઓકટોબર ૨૦૧૨નો દિવસ હતો. ગુજરાતના સુપ્રસિદ્ધ હાસ્યકલાકાર શ્રી જગદીશ ત્રિવેદીએ એમના ૪૫માં જન્મદિવસે અમેરિકાની ધરતી પરથી એક સંકલ્પ કર્યો કે હવે પછીના ૫ વર્ષ મારા પરિવાર માટે કમાવું છે પરંતુ ૫ વર્ષ બાદ જ્યારે મારો વાનપ્રસ્થ આશ્રમમાં પ્રવેશ થાય અને મને ૫૧મું વર્ષ શરુ થાય પછી જ્યાં સુધી જીવું અને જેટલું કમાઉ એ બધું જ સમાજ માટે વાપરવું છે.
૫ વર્ષ બાદ ૧૨મી ઓક્ટોબર ૨૦૧૭ના રોજ પોતાના વતન સુરેન્દ્રનગર ખાતે ગુજરાતના સાક્ષરોની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું અને ૩૦૦૦થી વધુ લોકોની હાજરીમાં જાહેર કર્યું કે આજથી મારા તમામ કાર્યક્રમોની જે કઈ આવક થશે એ આવક પર મારો અધિકાર નહિ હોય, મારી બધી જ આવક હું શિક્ષણ અને આરોગ્ય સેવા માટે વાપરીશ.
જાહેરાત કર્યાને પ્રથમ વર્ષ પૂરું થયું ત્યારે જગદીશભાઈએ પોતાની વર્ષ દરમ્યાનની કમાણીનો સરવાળો કર્યો તો ૪૪ લાખ જેવી માતબાર રકમ થઇ. આ ૪૪ લાખમાંથી ૪૨ લાખ વર્ષ દરમ્યાન શાળાના સમારકામમાં, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓની ફી ભરવામાં અને ગરીબ માણસોના હોસ્પિટલના બિલ ભરવામાં વાપર્યા. પ્રથમ વર્ષના અંતે જગદીશભાઈએ વિચાર કર્યો કે ભારતના લોકોના સરેરાશ આયુષ્યને ધ્યાને લેતા કદાચ હું ૭૫ વર્ષ જીવું. એક વર્ષની મારી કમાણી ૪૪ લાખ થઇ એ રીતે વનપ્રવેશ પછીના મારા ૨૫ વર્ષની કમાણી ગણીએ તો ૧૧ કરોડ થાય. મારી ૨૫ વર્ષની ઉમરથી ૫૦ વર્ષની ઉમર સુધી સમાજે મને આપ્યું છે તો હવે ૫૦ થી ૭૫ સુધી મારે સમાજને આપવું જોઈએ. જગદીશભાઈએ પોતાના ૫૧મા જન્મદિવસે બીજો સંકલ્પ કર્યો કે હું જ્યાં સુધી જીવીશ ત્યાં સુધીમાં ઓછામાં ઓછા ૧૧ કરોડ શિક્ષણ અને આરોગ્ય માટે સમાજને આપીશ. આ સંકલ્પ કોઈ ઉદ્યોગપતિએ નહીં પણ એક કલાકારે કર્યો હતો.
કદાચ એવું બને કે જીવનયાત્રા વહેલી પુરી થઇ જાય અથવા તો જીવનયાત્રા ચાલે પરંતુ કાર્યક્રમ ન મળે અને આવક બંધ થઇ જાય તો આ નક્કી કરેલા ૧૧ કરોડ કેવી રીતે આપવા ? જગદીશભાઈએ પોતાની જાત સાથે કમીટમેન્ટ કર્યું કે આવું કંઈ બને તો મારી કમાણીમાંથી મેં જે મિલકતો ઉભી કરી છે એ મિલકતો વેંચીને પણ ૧૧ કરોડના દાનનો સંકલ્પ હું કે મારો પરિવાર અવશ્યપણે પુરો કરીશું.
જગદીશભાઈ છેલ્લા ત્રણ વર્ષથી દર વર્ષે પોતાના જન્મદિવસે સેવાનું સરવૈયું રજુ કરે છે જેમાં વર્ષ દરમ્યાન કેટલી આવક થઇ અને આ રકમ ક્યાં ક્યાં વાપરી એ તમામ વિગતો જાહેર કરે છે. સેવાનું આ ચોથું વર્ષ ચાલી રહ્યું છે. આપ સૌને જાણીને આશ્વર્ય થશે કે આ ચાર વર્ષ દરમ્યાન જગદીશભાઈએ ૨ કરોડથી વધુ રકમ જુદા જુદા સેવા પ્રકલ્પો માટે વાપરી છે જેમાંથી ૫ શાળાઓનું સમારકામ કે નવા ઓરડા બાંધવાનું કામ, ૨ લાઈબ્રેરી બનાવી, કેટલાય ગરીબ વિદ્યાર્થીઓની ફી ભરી અને કેટલાયના હોસ્પિટલના બિલ પણ ચુકવ્યા.
કરોડોની કમાણી પછી પણ લોકોથી રૂપિયાનો મોહ છૂટતો નથી જ્યારે અહી આ શ્વેત્વસ્ત્ર ધારી સંસારી માણસ છેલ્લા ૪ વર્ષથી પોતાની બધી જ કમાણી સમાજના લોકોની સુખાકારી માટે વાપરી રહ્યા છે. ગયા અઠવાડિએ એમના ઘરે જવાનું થયું ત્યારે મેં જોયું કે પોતે સુરેન્દ્રનગરમાં એક સામાન્ય મકાનમાં રહે છે. ઘરમાં એવું કોઈ ખાસ ફર્નીચર પણ નથી. પોતાનાં માટે સુવિધાનો વધારો કરવાને બદલે આ માણસે બીજાની અગવડતાઓ કેમ દુર થાય એનો વિચાર કરીને અમલ પણ કર્યો છે.
જગદીશભાઈ આપની સેવાને સો સો સલામ.