#પોઝીટીવપંચ 72…. કાલથી પવિત્ર શ્રાવણ માસનો શુભ પ્રારંભ ભગવાન શ્રી હરિની આજ્ઞા પ્રમાણે શિવપૂજન કરવું.
कर्तव्यं कारणीयं वा श्रावणे मासि सर्वथा । बिल्वपत्रादिभिः प्रीत्या श्रीमहादेवपूजनम् ।।१४९।।
શ્રાવણમાસમાં બિલ્વપત્રાદિક પૂજાના ઉપચારો વડે મહાદેવજીનું પૂજન આદરપૂર્વક અને અવશ્ય કરવું. અને જો પોતાને અનુકુળતાનો અભાવ હોય તો બ્રાહ્મણદ્વારા પૂજન કરાવવું. શિવપુરાણમાં કહેલું છે કે-
”श्रावणे मासि यो भक्त्या करोति शिवपूजनम् । कारयेद् ब्राह्मणैर्वापि न तु शून्यं नयेदिमम्” ।। इति ।। જે ગૃહસ્થાશ્રમી ભક્ત શ્રાવણ માસની અંદર ભક્તિપૂર્વક મહાભિષેકના વિધિથી કોમળ બિલ્વપત્રો વડે શિવનું પૂજન પોતે કરે છે અથવા બ્રાહ્મણો દ્વારા કરાવે છે. તે ગૃહસ્થાશ્રમી ભક્તને આ લોકમાં તથા પરલોકમાં કાંઇપણ અપ્રાપ્ય રહેતું નથી. અને વળી પદ્મપુરાણમાં પણ કહેલું છે કે, જે પુરુષ કાર્તિકમાસમાં તુલસીના દરેક પત્રે વિષ્ણુનું નામ ઉચ્ચારણ કરીને તુલસી પત્રો વડે વિષ્ણુનું પૂજન કરે છે, અને શ્રાવણ માસમાં બિલ્વના દરેક પત્રે શંકરનું નામ ઉચ્ચારણ કરીને બિલ્વપત્રો વડે શિવજીનું પૂજન કરે છે, તે પુરુષ આલોકમાં ભુક્તિ અને પરલોકમાં મુક્તિને પામે છે. માટે શ્રાવણમાસમાં શિવજીનું પૂજન કરવું. એક માસ પર્યંત મહાદેવજીની પૂજા કરવામાં જે અસમર્થ હોય તેમણે પ્રતિદિન શ્રાવણ માસમાં સાયંકાળે શિવનાં દર્શન કરવાં. પ્રતિદિન સાયંકાળે કેવળ શિવનાં દર્શન કરવાથી પણ પૂજાના ફળની પ્રાપ્તિ થાય છે, આવો ભાવ છે. ।।૧૪૯।।