#પોઝીટીવપંચ 63.. દીવની વિરાંગના જેઠીબાઈ વિશે ઉંડાણ પૂર્વક જાણીએ…
આજે એક હિમતવાન,બહાદૂર તથા દેશદાઝ વાળી સોળમી સદીની મહિલાની વાત કરવી છે કે એ જાણીને આજના યુગમાં પણ આપણે હિમતને દેશદાઝને કાઠિયાવાડના બળુકા પાણી પર આફરીન થઇ જઈ કે વાહ ભારતની રમણી કદી બીજાના દુઃખો જોઈ શક્તી નથી,એનો આ જીવંત દાખલો છે.
એ હતી કચ્છ માંડવીની બ્રહ્મ ક્ષત્રિય વલેરા સવજીની પુત્રી જેઠીબાઈ,જેને ટાટારિયા અટકના પંજુ નામના યુવાન સાથે પરણાવી હતી તે યુવાન કચ્છ માંડવીથી ધંધા માટે દીવ બંદર આવી વસ્યો હતો ને તેને કપડા રંગવા ને છાપવાનો મોટો વેપાર હતો પણ તે અકાળે અવસાન પામતા તેની વિધવા જેઠીબાઈ આ વ્યવ્સાય સંભાળતી હતી.
આ વ્યવ્સાયમાં જેઠીબાઈ પણ પુરા ખંત અને મનથી પોતાની કળા પીરસતી હતી,બીબા કોતરે,રંગ છાપવા,ભરવા વગેરે. આ બાબતમાં તે માહેર હતી અને તેના હાથ હેઠળ અનેક લોકો કામ કરતા હતા, જેઠીબાઈના આ ધંધા વ્યવ્સાયના સ્થળે દીવમાં પોર્ટુગીઝ લોકોનું અન્યાયી શાસન હતું તે પણ આ સ્વતંત્રતા પ્રિય બાઈને ગમતું નહિ ખાસ તો પોર્ટુગીઝો જયારે એ ધરતી પર ખ્રિસ્તી ધર્મનો ફેલાવો કરવા અનેક જાતના નુસખા ને પ્રચાર કરી રહ્યા હતા,ત્યારે પોર્ટુગીઝોએ એક એવું ફરમાન બહાર પાડ્યું કે આ વિસ્તારમાં
‘’ ખ્રિસ્તી સિવાય જે કોઈ બાળકને જેને પરણાવ્યા વગર તેના માબાપ અવસાન પામે તો તેનો કબજો પોર્ટુગીઝ સરકાર લઈ લેશે અને પછી તેને ખ્રિસ્તી બનાવી ભણાવી ગણાવી મોટા કરશે. ‘’
આવું બને ત્યારે આવા બાળકના તમામ સગાવ્હાલા વીલા મોઢે આ બધું જોઈ રહેતા પણ કોઈની પોર્ટુગીઝો સામે થવાની હિમત હાલતી નહિ. પણ જયારે અમાનુષી કાયદો જેઠીબાઈની નજરે ચડ્યો ત્યારે તેણે હામ ભીડી.
એકવાર જેઠીબાઈના કારખાનામાં કલ્યાણજી નામનો કારીગર તેના ૧૧ વર્ષના બાળકને મૂકી મરણ પામ્યો ત્યારે આ બાળકને પણ પોર્ટુગીઝો ઉપાડી લઇ જશે એવી બીક થી તેમણે રાતોરાત આ બાળકને કારખાનામાં જ બીજા એક કુટુંબમાં પરણાવવા ઘડીયા લગ્ન હજુ તેના બાપની શબ પડ્યું હતું ત્યાં બુદ્ધિ વાપરી પરણાવી દીધો, પણ તેમ છતાં પોર્ટુગીઝ સરકારના માણસો તો એ બાળકને લેવા સવારે આવ્યા કે ક્યાં છે બાળક ? બાળક લાવો. તેનો બાપ મારી ગયો છે તો.
જેઠીબાઈ કહે અરે એતો પરણેલ છે તો કેપ્ટને એ બાળ વરઘોડિયાની જુબાની લીધી ને આખરે સવળું નીકળતા ધરમ ધકો થયો માની બબડતો ચાલ્યો ગયો. આટલેથી અટક્યું નહિ થોડા દિવસમાં આવો જ બીજો પ્રસંગ બન્યો. અન્ય એક બાળક પણ બચવાની આશાએ જેઠીબાઈ પાસે આવ્યો, જેઠીબાઈએ તેને પણ રાતોરાત પરણાવી દીધો આ કાર્યથી જેઠીબાઈની આબરૂ પરગજુતાની કાઠિયાવાડની ધરતી પર ભરપૂર પ્રંશસા થઇ કે, વાહ બુદ્ધિ તો આ બાઈની હો.
અરે થોડા સમયમાં લોકોએ તેને દેવીના સ્વરૂપમાં પૂજવા માંડી. પરંતુ આવા લગ્ન કરાવી આપવા એ ધર્માંતર ટાળવાનો ઉકેલ નહોતો. તેવી ઘટનાઓ તો બનતી જ રહેતી આખરે જેઠીબાઈની ઊંઘ ઉડી ગઈ કે આ પ્રથા કે કાયદાને હું અટકાવીશ જ .
એક સ્ત્રી છે તો તે શું કરી શકે પણ તેને પોતાની સ્ત્રી જાત તરફ માન થયું કે સ્ત્રીને સ્ત્રી જ સમજી શકે તો પોર્ટુગીઝની રાણી પણ એક સ્ત્રી છે તો તેને આ બાબત એક અરજ કરવી,પણ તેને કેવી રીતે અરજ કરવી એ કેમ ત્યાં પહોચાડવી, એ વિચારતા પણ આ જાજરમાન મહિલાએ એવો નુસખો શોધી કાઢ્યો કે કોઈ ને ખબર પણ ન પડે એમ ઉપરોક્ત ઘટના કાયદાને મલમલના તાકામાંથી પોતાની રંગરેજની તમામ કળા વાપરી એક ચુંદડી બનાવી તેમાં અક્ષરો રૂપે અરજી રૂપે છાપી દીધી.
પોતે જ કપડા રંગવાની માહેર અને નિષ્ણાંત હતી તો આ ચુંદડીમાં તો શી ખામી કે મણા રહેવા દે.આખરે આખો પ્રંસંગ ચુંદડીમાં જ અરજી સ્વરૂપે ફૂલવેલ બુટા અને કોરની વચે મુક્યોને સંબોધન કર્યું કે
‘’ હે પોર્ટુગીઝની દયાળુ માનવંત મહારાણી ‘’ આ અરજીમાં ભારતના ધર્માંતરની આ વટાળ પ્રવૃતિનો કરુણ ચિતાર આલેખ્યો છે અને લખ્યું છે કે આ હુકમની એક સ્ત્રીનો તો ન જ હોવો જોઈ, જો આપના ઘેર આવું બને તો આપના બાળકો ને કોઈ વટલાવે તો આપને કેવું લાગે ?
આટલું જ નહિ આ અરજી ગવર્નરને હાથોહાથ દેવા આ બ્રહ્મક્ષત્રિય મહિલા કેટલાય કષ્ટ વેઠી ૧૪ દિવસે ગોવા પહોચી. (અમુક મતે એ પોર્ટુગલ ગઈ હતી) આ અરજી એવા ખાસ પ્રયોજનથી ગવર્નરને આપી કે અરજી દેવા માથે બળતી સગડી લઈ અને હાથમાં મશાલ લઇને ગઈને બોલતી જતી કે “છે કોઈ ફરિયાદ સાંભળે તેમ?”
આ દ્રશ્ય જોઈ ગવર્નરે જેઠીબાઈને બોલાવીને પૂછ્યું કે, કાં બહેન આવા નાટકો કરે છે. જેઠી કહે આ નાટક નથી સત્ય છે તમારા રાજમાં ધોળે દિવસે અંધારા છે, માટે મારે મશાલ લેવી પડી છે. અનાથ બાળકો પર પોર્ટુગીઝો જુલમ કરે છે તેની ફરિયાદ કરવા હું આમ દીવથી આવી છું તો મારી ફરિયાદ આપ સાહેબ રાણીને મોકલી આપો.
ગવર્નર પણ વિચારમાં પડી ગયો કે આ બાઈની ચપળતા, દયાળુતા અને પરગજુતા તો જોવો. આખરે તેણે રાજનીતિજ્ઞની સલાહ પછી એ ચુંદડીવાળી અરજી રાણી ને મોકલી આપી. ત્યારે જે રાણી હતી તેનું નામ હતું ‘ દોનો લુઈઝા દે ગુસ્માના ‘ તેણે આવી નવાઈ ભરેલીને વિસ્મય પમાડે એવી અરજી તેના જન્મારામાં પ્રથમવાર જોઈ કે વાહ બુદ્ધિ. (હાલ આ ચુંદડી પોર્ટુગલના સંગ્રહાલયમાં સચવાયેલ હોવાનું કહેવાય છે.)
સ્ત્રી જાત એક સ્ત્રી ઉપર ફિદા થઇ ગઈ કે વાહ તારી બુદ્ધિને સલામને આવી નારીઓજ જગ ને શોભાવે છે,એટલુ બોલીને જેઠીબાઈ ની અરજીનો તરત સ્વીકાર કરી લીધોને તેના માટે તરત જ ચાર હુકમ કરી દીધા કે
(૧) આ અરજી નું નામ ‘જેઠીબાઈની ઓઢણી’ (પાન દે જેઠી) એવું રાખવું.
(૨) દીવમાં અનાથ બાળકોને વટલાવવાનો કાયદો આજથી રદ કરવો .
(૩) દીવમાં વેકરીયાવાડ લતામાં જેઠીબાઈ ના ઘર પાસે અઠવાડિયામાં એક દિવસ રાજ્યનું સરકારી બેન્ડ વગાડવું
(૪) જયારે જયારે દીવમાં પોર્ટુગીઝ અમલદાર કે ગવર્નર નીકળે ત્યારે જેઠીબાઈના ઘર પાસે પોતાની ટોપી ઉતારી તેને માન આપશે.
પછી તો આ રીવાજ દીવના તમામ અધિકારીઓ પાળતા અને ત્યાં નીકળે ત્યારે ટોપી ઉતારી માન આપતા હતા.
આજે દીવમાં બસ સ્ટેશનનું નામ જેઠીબાઈ સ્ટેશન રાખવામાં આવ્યું છે. કદાચ દીવના લોકો પોર્ટુગીઝના શાસનને ભૂલી જશે પણ દીવમાં જેઠીબાઈનું નામ અમર છે
આવો રૂડો હુકમ એક સ્ત્રીએ બીજી સ્ત્રીની બુદ્ધિની ચપળતા માટે તામ્રપત્ર પર લેખ કરી આપ્યો હતો તે અનેક મહાનુભાવોની વચે વિધવા જેઠીબાઈને અર્પણ કરવામાં આવ્યો હતો.
આજે પણ મુંબઈમાં તેના વંશજો આ વાતને સોના જેમ જાળવી રહ્યા છે ને લોકોને કહી રહ્યા છે કે આવી હતી અમારી માતાઓ દેશદાઝ વાળી.
“જય હો”
ઇન્ફોર્મેશન સેન્ડર..
પ્રિયા રજત પટેલ