#પોઝીટીવપંચ 46.. પ્રકૃતિના આ પ્રેમાળ જીવ સાથે મૈત્રીનો અદ્ભૂત આનંદ..!!sqirrel
એ ખૂબ જ સુંદર અને નટખટ હતી. એને જોતા જ ગમવા લાગી. મને થયું, “આની સાથે દોસ્તી થાય તો કેટલો આનંદ મળે? પણ એની સાથે દોસ્તી કરવી કઈ રીતે?
સૌથી અગત્યનું હતું, એનો વિશ્વાસ જીતવો. જો એનો વિશ્વાસ જીતી શકાય તોજ તે પ્રેમ કરે. એ માટેના મેં પ્રયત્નો આદરી દીધા. પહેલા તો બસ તેને દૂરથી જોયા કરું પણ એને મારી હાજરીની જાણ ન થાય એ રીતે. પણ ભૂલથી નજીક આવી હોય તોયે એ ફટાફટ જતી રહેતી. કદાચ મારા પર ભરોસો ના હોય અથવા એને મારી જોડે ગમતું ના હોય.
પણ કોઈપણ રીતે એની સાથે દોસ્તી કરવી હતી એટલે મેં વિશેષ પ્રયત્નો શરુ કર્યા. એને પણ સંદેહ હોય, ભૂતકાળના ખરાબ અનુભવ થયા હોય. એ પણ વિચારતી હોય આ માણસ પર ભરોસો કેમનો કરવો.
પણ મને એની સાથે ગમતું હતું, હું એને જોઈ ખૂબ ખુશ થઇ જતો.મેં જોયું કે ધીરે ધીરે એ મારા નજીક આવવાનો પ્રયત્ન કરે છે, પણ બની શકે કે એ ગભરાતી હોય. હવે જયારે હું નિયમિત એને મળવા જાઉં ત્યારે એ મારી રાહ જોતી હોય એવું લાગ્યું. વિશ્વાસ જીતવા માટે એની સાથે ખૂબ જ નિર્મળતાથી અનુંસંધાન જાળવી રાખ્યું.
હવે એ નચિંત બનીને મારા હાથમાંથી બિસ્કિટ, મમરા ખાય છે. અંતે ખિસકોલીને મારા પર વિશ્વાસ બેસી ગયો. મને પણ પ્રકૃતિના આ પ્રેમાળ જીવ સાથે મૈત્રીનો અદ્ભૂત આનંદ થયો…