Site icon Ek Zalak

#પોઝીટીવપંચ 100.. ખડીરબેટ નો ખોળો એટલે : રખાલ … Mahadev Baradની કલમે..

 #પોઝીટીવપંચ 100.. ખડીરબેટ નો ખોળો એટલે : રખાલ … Mahadev Baradની કલમે..


ખડીરબેટ એટલે અનેક પુરાતનકાળના અવશેષો સંઘરી ને બેઠેલો પ્રદેશ છે!ખડીરબેટ એટલે દુનિયાની પ્રયોગશાળા પણ કહી શકાય છે કારણ કે અહીંયા તમે આખું જીવન સંશોધન કરો તો જીવન પણ ઓછું પડે એટલા પ્રમાણમાં અવશેષો આવેલા છે.ખડીરબેટમાં ધોળાવીરા હડપ્પા સંસ્કૃતિનું મહત્વનું નગર તો છે,સાથે સાથે ખડીરબેટ એક બેટ છે અને તેમાં પણ અનેક બેટો આવેલા છે,દરેક બેટમાં અનેક ફોસિલ્સ અનેક અવશેષો ધરબાયેલા પડ્યા છે,બસ હજી સંશોધન નથી થયું એટલે હજી બહાર નથી આવ્યું,જરૂર એક દિવસ બહાર આવશે અને દેશ દુનિયામાં ઈતિહાસની ખૂટતી કડીઓ આ ખડીર પૂરી કરશે એવું લાગે છે.




ખડીરબેટમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રખાલ વિસ્તારની જે ખડીરબેટનો ખોળો છે.જેમ માં નો ખોળો નીચે હોય તેમ ખડીરબેટમાં રણ બાજુ રખાલ નીચે આવેલી છે,વાગડ વિસ્તારની ગૌશાળાના પશુઓ અને ખડીરબેટના પશુઓ ને આ રખાલ ચોમાસું અને શિયાળો સાચવે છે ક્યારેક ઘાસની તંગી નથી આવી અને ઉનાળામાં પણ રખાલમાં ઘાસ જોવા મળે છે!




ખડીરબેટમાં પ્રવેશતા અમરાપર ગામ સૌ પ્રથમ આવે છે,અને ત્યાંથી ઉતર બાજુ જે ધાર જોવા મળે છે ત્યાંથી રખાલ વિસ્તાર સારું થાય છે અને છેક ફૉસિલ પાર્ક આગળ રખાલ વિસ્તાર પૂરો થાય છે, અંદાજે ૩૫ થી ૪૦ કિલોમીટરની આ રખાલ વિસ્તાર સાવ અલગ અને અનેક ઇતિહાસો ને સંઘરી ને બેઠો છે,
અમરાપર ગામ પાસે જે રણ વિસ્તાર છે ત્યાં મોટા પ્રમાણમાં સુરખાબ અને અનેક જાત જાત ના પક્ષીઓ શિયાળામાં મહેમાનો બનતા હોય છે ખાસ કરી ને જ્યારે સારું ચોમાસુ હોય તો અડધો શિયાળા સુધી આ રણમાં પાણી ભરેલું હોય છે, અને તે પાણીમાં અનેક પક્ષીઓનો કલરવ જોવા મળે છે.અમરાપર પાસેનું રણ શિયાળામાં રૂપકડા પક્ષીઓથી શોભતું જોવા મળે છે, ડો ભૂડીયા સાહેબ જણાવે છે કે આ શીલ શિલો હજારો કરોડો વર્ષોથી ચાલુ છે અહીંયા પક્ષીઓ આવે છે અને આ વિસ્તારમાંથી જાયન્ટ પક્ષીઓના ફોસિલ્સ જોવા મળે છે તે તેનો પુરાવો છે.એટલે પેલાના સમયમાં મોટા પક્ષીઓ હશે તે ચોક્કસ કહી શકાય છે.





રખાલમાં જવા માટે માત્ર ત્રણ થી ચાર રસ્તાઓ વાટે જઈ શકાય છે.એક રસ્તો છે અમરાપર પાસે રણ માર્ગે થઈ ને અને બીજો રસ્તો છે,અમરાપર આગળ બીએસએફ ચોકી પાસેથી ગહ દ્વારા નીચે રખાલ બાજુ ઉતરી શકાય છે.તેમજ ત્રીજો ગહ છે ઝરનો ગહ તેમજ ચોથો ગહ છે ઓખો ગહ જેનું નામ જ ઓખો ગહ છે, ઓખો એટલે અઘરો એટલે બહુ જ અઘરો ગહ છે,તે આલમટોક પાસે આવેલો છે.ત્યારબાદ ફોસીલ પાર્ક પાસે થી રખાલ વિસ્તારમાં જઈ શકાય છે.આમ ૩૫ થી ૪૦ કિલોમીટરના અંતરમાં માત્ર આટલી જગ્યાઓ સિવાય ક્યાંયથી જઈ શકાતું નથી અને જવું હોય તો રેપ્લિંગ કરી ને ખીણમાં ઉતરવું પડે તો જઈ શકાય છે, બાકી તો આ રસ્તાઓ દ્વારા જ જઈ શકાય છે,





રખાલ વિસ્તાર એ કચ્છમાં રાજાશાહી વખતે કચ્છના મહારાવ દ્વારા આ વિસ્તાર ને આરક્ષિત કરવામાં આવેલ હતો,તેમાં માત્ર ઘેટાં બકરાઓ અને ગાય ભેંસો માટેના ચરાણ માટે ઉપયોગ કરવામાં આવતો હતો ઊંટો માટે પ્રવેશ પરતિબંધ હતો.રખાલ વિસ્તારમાં પેલા દીપડાઓ હતા હજી હમણાં બે વર્ષ પહેલા પણ દીપડો જોવા મળ્યો હતો,તે હબાય ડુંગરો બાજુથી આવેલો હોવો જોઈએ થોડા સમય બાદ જતો રહ્યો હતો. રખાલમાં પેલાના સમયમાં નાર નામનું પ્રાણી મોટા પ્રમાણમાં હતું હવે ક્યાંક ક્યાંક જોવા મળે છે તેમજ અનેક પશુ પક્ષીઓ માટે રખાલ એ માં ના ખોળા બરાબર છે.




ખડીરબેટમાં જ્યારે દુષ્કાળ પડે ત્યારે ખુબ વિકટ પરિસ્થિતિ ઊભી થાય છે કારણ કે ખડીરબેટમાં માલધારી વર્ગ મોટા પ્રમાણમાં છે બધાજ લોકો પાસે ગાય ભેસો પશુ ઢોર મોટા પ્રમાણમાં છે,એટલે જ્યારે દુષ્કાળ પડે ત્યારે ત્યાંના લોકો પશુ ઢોર લઈ ને રખાલમાં ઉતરી જાય છે ત્યાં ગમે તેવા દુષ્કાળમાં પણ સૂકાયેલું ઘાસ સચવાયેલું ડુંગરોમાં પડ્યું હોય છે અને લોકો તે ઘાસ કાપી ને માલ ઢોર ને ખવડાવે છે અને પાણી માટે રખાલમાં બે તળાવ આવેલા છે,ખારો તળાવ અને છપરીયો તળાવ જો આ બંને માં પાણી ખૂટે તો ત્યાં રખાલમાં કૂવા આવેલા છે. તેના દ્વારા પાણી કાઢી ને પીવડાવવા આવતું હતું અને એમ કહેવાય છે કે ડૂંગર દૂજે છે તે આપણ ને ખડીરબેટમાં સારણ નામ ની જગ્યા એ જોવા મળે છે, ત્યાં ગમે તેવા દુષ્કાળમાં પણ એક પત્થરમાંથી ગાયના આચાર જેવા ચાર ધારા માંથી અવિરત મીઠું પાણી વહ્યા કરે છે અને બાજુમાં ભરાય છે,અને લોકો ઉનાળામાં આ પાણી પી ને તૃપ્ત થાય છે.




રખાલવિસ્તાર એ ઉપર ધાર થી નીચે જમીનની સપાટી થી રણ વચ્ચેના ભાગ ને રખાલ કહેવામાં આવે છે, આ રખાલ ક્યાંક પહોળાઈમાં નાની છે તો ક્યાંક આઠ કિલોમીટર જેટલી રણમાં પહોળાઈ જોવા મળે છે, ચેરીયાબેટ પાસે આઠ કિલોમીટર જેટલો ભૂ ભાગ રણમાં ફેલાયેલો જોવા મળે છે.



ચેરીયાબેટમાં 2018 માં આઈઆઈટી ખડગપુરની ટીમ સંશોધન કરવા આવેલી હતી અને ચેરીયાબેટમાં ડાયનાસોરના અવશેષો મોટા પ્રમાણમાં મળેલ છે,તે ચેરીયાબેટ પણ રખાલમાં આવેલો છે.
રખાલમાં ડૂંગર બાજુથી નાની નાની નદીઓના ઝરણાં અનેક જમીનમાં જોવા મળે છે,અને પ્રવાહની તીવ્રતાના કારણે તે જમીનમાં ઊંડે ઊંડે સુધી જોવા મળે છે,તેમાં અંદર જોતા પાણી આપણ ને ભરેલું જોવા મળે છે.રખાલમાં અનેક પ્રવાસન સ્થળોનો વિકાસ થાય તેવી અલગ અલગ જગ્યાએ આવેલી છે તેમાં એક છે સોનારા પેટી તેમજ એક સ્થળ છે ઝરનાં ગહ નીચે રણ પાસે આવેલું છે, તેને આપણે મીની ફિસિલ પાર્ક પણ કહી શકીએ ત્યાં અનેક પત્થરો પડેલા જોવા મળે જેમાં ઘસારો અને અલગ અલગ પ્રકારના છે ક્યાંક ફોંસિલ હોય તેવા પણ નજરે પડે છે. આ સ્થળ ખાતે જો જીઓલોજી વિભાગ દ્વારા મુલાકાત લઈ ને સંશોધન કરવામાં આવે તો કઈક નવું બહાર આવે તેમ છે.




રખાલમાં બે તળાવ આવેલા છે તે માલધારીઓ અને ઢોર માટે જીવોદરી સમાન આવેલા છે. છપરીયા તળાવમાં તો આજે પણ એમ કહેવાય છે કે જળો જોવા મળે છે. આ રખાલ વિસ્તાર એ આમ લોકોથી દૂર છે, ત્યાં માત્ર માલધારીઓ સિવાય કોઈ જતું નથી અને જાય તો સંશોધન કરવા માટે જાય છે, એટલે એકદમ વર્ષોથી સચવાયેલો પડ્યો છે,રખાલમાં પરબતરાય નામની વનસ્પતિ જોવા મળે છે જે ખુબ ગુણકારી છે.





આ વિસ્તારમાં અનેક રહસ્યો અને અનેક ફોસિલ્ અને અનેક અલગ અલગ ઈતિહાસો ધરબાયેલા પડ્યા છે.આપણે રખાલમાં ફરતા હોઈએ ત્યારે દક્ષિણબાજુ જે ભુ ભાગ ખડીરબેટનો ઊંચાઈ ઉપર દેખાય છે, તે ઊભી ધાર છેક અમરાપર થી લઇ ને ફોસીલ પાર્ક સુધીની જે ઊભી ધાર આવેલી છે તે ખડીર ફોલ્ટ લાઈન છે. આ ફોલ્ટ લાઈન ઉપર 1819 માં મહા ધરતીકંપ આવેલો હતો જે ધરતીકંપના કારણે જ આપણે સિંધુનું વહેણ બદલાઈ ગયું હતું.આજે પણ આપણ ને નીચે રખાલમાં અનેક મોટા વિશાળકાય પત્થરો ઉપરથી તૂટી ને નીચે પડેલા જોવા મળે છે. અને આવા નીચે અનેક ભૂ ભાગ ઉપર થી તૂટી ને પડેલા જોવા મળે છે તેના કારણે નીચે અનેક કરોડો વર્ષોથી જતાં ફોસીલ બની જાય છે આમ આ પ્રક્રિયા કરોડો વર્ષોથી ચાલુ છે એટલે જ આપણ ને રખાલમાં અનેક ફોસિલ જોવા મળે છે.




ખડીરબેટની રખાલનો જો અભ્યાસ કરવો હોય તો રખડું બનવું પડે અને રખડવું પડે તો જ સાચા અર્થમાં અભ્યાસ થઈ શકે અને હજી સુધી આ રખાલ વિસ્તારનો કોઈ સચોટ અભ્યાસ નથી થયો આપણ ને ક્યાંક ક્યાંક રિસર્ચ પેપર જે રજૂ થયેલા હોય છે તેમાં જોવા મળે છે.બાકી આ વિસ્તાર ઉપર લખાયું પણ નથી અને સંશોધન પણ નથી થયા પરંતુ હવે જરૂર થશે હવે જમાનો બદલાયો છે, હવે ટેકનોલોજી વિકસી છે ,એટલે જરૂર આ બાબતમાં સંશોધનો થશે,આ બાબતમાં અમારે કચ્છ યુનિવર્સિટીના ઝીઓલોજી વિભાગના હેડ ડો.મહેશભાઈ ઠકકર ખુબ મહેનત કરે છે અવારનવાર ખડીરની મુલાકાત લે છે. આપણ ને રખાલમાં અમુક જગ્યા એ ગોળ ગોળ પત્થર જોવા મળે છે જાણે કે ડાયનાસોર ના ઇંડા ન હોય પરંતુ તે કદાચ પાણીના ઘસારાના કારણે પણ થાય હોય તે એક સંશોધનનો વિષય છે.





ખડીરબેટમાં આવેલી રખાલ ને જો ફોસિલ પાર્ક જાહેર કરવામાં આવે તો વિશ્વનો મોટામાં મોટો ફોસિલ પાર્ક બની શકે તેમ છે કારણ કે પાત્રીસ થી ચાલીશ કિલોમીટરના રખાલમાં જ્યાં જોવો ત્યાં ઢગલો ફોસિલ જોવા મળે છે. હજી પુરે પૂરા રખાલમાં તો સંશોધનો થયા જ નથી, નહિતર અનેક ચોંકાવનારા પુરાવા મળે તેમ છે,અનેક ડાયનાસોર સમયગાળાના અવશેષો જોવા મળે તેમ છે.





રખાલવિસ્તારમાં જવામાં માટે જો રસ્તો બનાવવામાં આવે તો રખાલમાં ચોમાસાંમાં અને શિયાળામાં રહેતા માલધારીઓ માટે આવવા અને જવા માટે સરળતા રહે બાકી તો ત્યાં રહેતા માલધારીઓ એટલા બધા ખડતલ છે, કે જે આપણ ને ઓખો ગહ લાગે છે અને આપણે આ ઓખો ગહ માંડ ચડી શકીએ તેમ તે દિવસમાં બે વાર ઉતરે ચડે છે, કારણ કે રખાલમાં રહેતા! માલધારીઓ ખોરાક માટે લોટ અને શાકભાજી માટે તેમને રખાલની બહાર ગામડાંઓમાં લેવા આવવું પડે છે,એટલે રખાલમાં સંશોધન કરતા લોકો માટે પણ માર્ગ મોકળો મળે તેમ છે, અને નવા સંશોધનો થાય સંપૂર્ણ ખડીરબેટનો વિકાસ થાય તેમ છે!




“જય હો”


Call:- 9601799904


23.86258970.3122615
Exit mobile version